________________________________________________________________
આ ચાર વર્ષના મારા શિક્ષકજીવન દરમિયાન મારી પાસે કેટલાય વિદ્યાર્થીઓ આવ્યા. કેટલાક હોશિયાર આવ્યા અને કેટલાક ઠોઠ આવ્યા. એમાં મારી પાસે એક વિદ્યાર્થી એવો વ્યો કે જેને અંગ્રેજી વાંચતાં કે લખતાં આવડતું ન હતું. અંગ્રેજીના મૂળાક્ષરો પણ તે ઓળખી શકતો નહી. મેં તેને અંગ્રેજી શિખવાડવાનો ઘણો જ પ્રયાસ કર્યો પણ તેને અંગ્રેજી વાંચતાં કે લખતાં આવડ્યું નહી. આ પ્રયાસ બે વર્ષ સુધી ચાલ્યો, તો પણ તે શીખી શક્યો નહીં. છેવટે મેં હિમ્મત ગુમાવી અને વિચાર્યું કે હવે વધારે મહેનત કરવી નથી.
આટલી મહેનત બીજા વિદ્યાર્થી પાછળ કરીશ તો ફળશે પણ ખરી! મેં આવું વિચાર્યું એના બે દિવસ પછી મારો મિત્ર કુણાલ વરિયા મને મળ્યો. મારો આ મિત્ર અમદાવાદની બી.એડ. કોલેજમાં અભ્યાસ કરે છે. તેની કોલેજની વાત કરતા તેણે જણાવ્યું કે ત્યાં તેમને એક અભણ બાળકને ભણાવવાનું કાર્ય સોંપવામાં આવે છે. એમની તાલીમ પામી જેટલું બાળક વધારે હોશિયાર થાય તે પ્રમાણે તેમની યોગ્યતા અને ગુણ નક્કી થાય છે. મારા મિત્રએ કહ્યું કે તેણે એક અંધ બાળકને ભણાવવાનું કામ પોતાના હાથમાં સ્વેરછાએ લીધું છે. જે ખરેખર એક મોટો પડકાર છે.
અંધ બાળકને ભણાવવાનું અને તે પણ જે અભણ હોય! મારા મિત્રે કહ્યું કે જો આ બાળક પોતાનું નામ લખતા પણ શીખશે તો તેનું શિક્ષકજીવન સાર્થક થઇ જશે. તેની આ વાત સાંભળી મને એક નવી જ પ્રેરણા મળી. મારા અધૂરા પ્રયાસ અને નિષ્ફળતા સામે મને તેનો દ્રઢ નિશ્ચય અને આત્મવિશ્વાસ હિમાલય કરતા પણ વધુ અડગ લાગ્યા. મને એક નવી જ પ્રેરણા, નવી જ ચેતના મળી અને મેં પેલા ઠોઠ વિદ્યાર્થીને બમણા ઉત્સાહથી અને આત્મવિશ્વાસથી ભણાવવાનું ચાલુ કર્યું. હવે મને ખરેખર સમજાય કે મિત્રો ખાલી હરવા-ફરવા કે ટોળટપ્પા કરવા નથી હોતા. મિત્રો પ્રેરણાનું ઝરણું હોઇ શકે છે. પ્રેરણાનો સ્ત્રોત હોઇ શકે છે.
- અભિષેક સુરેશચંદ્ર સોની, બેજલપુર.
Taken from "આહા! જિંદગી" of Divya bhaskar.
you can read the same by following link also
http://www.divyabhaskar.co.in/article/SPL-soft-plant-turn-them-turn-1111782.html
Friday, July 02, 2010
Subscribe to:
Post Comments (Atom)
really inspirational
ReplyDelete